શનિવાર, 24 જૂન, 2017

કપરો સમય...

કેવી રીતે થાય અહિંયાં કોઈનો પરિચય??
અહિંયાં તો યાર સહુ કોઈ કરે છે અભિનય!!

સોંપ્યું હતું દિલ મારું મેં એમને સદા માટે!
રમત રમી કરી દીધું પરત મને સવિનય!!

બાઝી-એ-ઇશ્કમાં જીતવું તો સાવ સહેલું છે!
બધું  હારો તો ય થાય એમાં ભવ્ય વિજય !!

જિસમ મળવાની વાત જરા નથી ઇશ્કમાં!
મન સાથે મન થવું જોઈએ એમાં તન્મય!!

ફરેબી ને ગેબી ખુદાએ બહુ સતાવ્યો છે મને !
ખુદા તારી ખુદાઈ પર થાય છે મને સંશય !!

એમને મળ્યા પછી સાવ બદલાય ગયો છું !
આયનામાં જોતાં સદાય થાય મને વિસ્મય !!

જીવી રહ્યો છે નટવર એ જ અમર આશામાં!
નજૂમીએ ભાખ્યું છે,વીતી જશે કપરો સમય!!


આત્મસાત્ કરો...

જિંદગીની હાયવોયમાં બસ,  એટલી નિરાંત કરો !
એકાદ ખૂણે બેસી ખુદ સાથે પણ કદી વાત કરો !!

આ દુનિયા તો સાવ મામૂલી છે, પળમાં જીતાય !
જીતવા દુનિયાને, પહેલાં તને ખુદને મહાત કરો !!

આ ફોન,ફેઈસબૂક, વ્હોટસપ એક બખડજંતર છે !
જો ઓછું કરવું હોય અંતર તો રૂબરૂ મુલાકાત કરો !!

શબ્દ ફેરવી તોળાય,અરથ શબ્દનો બદલાય જાય !
વાત દિલની છે તો માસૂમ આંખોથી રજૂઆત કરો !!

રાહ-એ-ઇશ્ક પર હર કદમ પડવાનો ભય રહે છે !
પડતા આખડતા ચાલતા આવડશે, શરૂઆત કરો !!

પળ બે પળનો સાથ માંગ્યો છે જિંદગીમાં સનમ !
મેં ક્યાં કહ્યું છે,મારા નામે તમે તમારી જાત કરો !!

બધું જ સમજાવશે નટવર કે કોણે શું શું સમજવું ?
નાસમજ નટવર સાથે સનમ કદી આત્મસાત્ કરો !! 


સગપણ સગપણ રમીએ...

ચાલો હવે આપણે સગપણ સગપણ રમીએ!
ને સમજીએ તો સમજણ સમજણ રમીએ !!

મોટાં થતા થતા સાવ ખોટા થઈશું એક દિ!!
છોડી ખોટી મોટાઈ બચપણ બચપણ રમીએ

રાહ-એ-ઇશ્ક પર ઘણી તો રહેવાની મુશ્કેલી!
સાથ સાથ રહીને અડચણ અડચણ રમીએ!!

કુછ તો લોગ કહેંગે, લોગોકા કામ હૈ કહેના !
ખામોશ રહીને બન્ને ચણભણ ચણભણ રમીએ!

તમારી આંખમાં હું દેખાઉં, મારી આંખમાં તમે!
ફોડી સહુ આયનાઓ દરપણ દરપણ રમીએ !!

દરદ તમારા સૌ આપો મને ને મારા લો તમે !
ક્યાંક બેસી નિરાંતે અરપણ અરપણ રમીએ !!

સાથ છે આપણો તો યુગોથી જન્મ જન્માંતરનો
છોડી સહુ ફિકર ચિંતા ને મરણ મરણ રમીએ!!

વિરહમાં વહેતા આંસુ કદી નથી હોતા ખારા!
રડતા રડતા હસી ગળપણ ગળપણ રમીએ!!

મળીએ અને અલગ થઈએ અને ફરી મળીએ!
ફરી અચાનક મળી વળગણ વળગણ રમીએ!!

વખત વખતનું કામ કરે નટવર, તો ભલે કરે!
હસતા રમતા આપણે ઘડપણ ઘડપણ રમીએ!!મારી યાદ આવે તો ??

સાવ અચાનક જ તને ય મારી યાદ આવે તો ??
મારા સપનાંઓ આંખોમાં ઊગી તને જગાવે તો ?

તને મળ્યા પછી મારા જ ઘરનો રસ્તો ભૂલ્યો છું !
મારું સરનામું પૂછું ને કોઈ તારો પતો બતાવે તો ?

ડૂબી મરવાની ઘાત મારી ભાખી હતી નજૂમીએ !
તારી આંખોમાં હું ડૂબું, મને કોઈ ન બચાવે તો ?

તારા આ અકળ અબોલા કરતા તો ઝઘડા ભલા !
તને પળમાં મનાવું,મારી સાથે નજર નચાવે તો ?

હર મુલાકાતનો અંજામ કંઈ જુદાઈ ન હોય શકે !
મળવા આવે પણ સાથે તારી જાતને ન લાવે તો ?

તરજુમા કરવા છે મારે તારા મોઘમ ઇશારાઓના !
તારા કમસીન ચહેરાથી પડદો શરમનો હટાવે તો ?

રોજ એક કવિતા નઝમ ગઝલ લખું હું તારા માટે !
ડર છે નટવરને, તું મારા રકીબ પાસે લખાવે તો ?


અકબંધ હોય છે...

જેનો જરા ય પરિચય નથી, એની સાથે સંબંધ હોય છે!
ત્યાં સુધી મઝા, જ્યાં સુધી અજાણપણું અકબંધ હોય છે !

ઘણી વાર એવું થાય કે આપણે કંઈ જ કરવું પડતું નથી!
બધું થતું રહે છે આપોઆપ, ઇશ્કમાં એવો પ્રબંધ હોય છે.

સાચી સગાઈ એવી હોય કે કદી ન મટે મોત આવે તો ય!
ફૂલો કરમાય જાય તો ય એમાં મઘમઘતી સુગંધ હોય છે.

હપ્તાઓમાં જિંદગી ખરચી ક્યાં સુધી કરતા રહીશું કમાણી?
અંતે તો આખરી મંજિલે જવા જરૂરી ફક્ત ચાર સ્કંધ હોય છે.

માણસે જ માણસને સાચવી લેવાનો હોય છે આ જગતમાં!
માણસને જગતમાં મોકલ્યા બાદ દ્વાર ખુદાના બંધ હોય છે.

જ્યાં જ્યાં નજર કરશો તો હું નજરે આવીશ, ને મને તમે !
જાલિમ દુનિયા ભલે યુગોથી કહેતી રહે પ્રેમ અંધ હોય છે.

એમ તો થોડી પંક્તિઓની જ હોય છે દરેક કવિતા નટવર!
વાંચતા આવડે તો યાર મારા એ લાગણીનો નિબંધ હોય છે!