શુક્રવાર, 10 જુલાઈ, 2020

થઈ જઈશ...

આજે આગ છું, કાલે પાણી થઈ જઈશ,
વાંચશો મને,  કાલે કહાણી થઈ જઈશ.

આજે બોલ્યો છું હું, કાલે બોલું ન બોલું,
મર્મ સમજો,ખામોશ વાણી થઈ જઈશ.

છેલ્લી મુલાકાતે પકડ્યો મારો હાથ એવો,
થયું મને કે, હું એમનો પાણિ થઈ જઈશ.

બની ઝરણું વહ્યો છું સદાય આ જગતમાં,
લાગણીની  વહેતી સરવાણી થઈ જઈશ.

ખરચવું હોય એટલો ખરચતા રહો મને,
કદી ન ખૂટે, હું એવી કમાણી થઈ જઈશ.

જેને જિંદગી સોંપી દીધી  હસતા રમતા,
એમનાં માટે વ્યક્તિ અજાણી થઈ જઈશ.

ટુકડે ટુકડે જીવ્યો ને ટુકડા ટુકડા થયો,
એ ટુકડા વહેંચી દો, લહાણી થઈ જઈશ.

ભાર જિંદગીનો વધી રહ્યો છે ધીરે ધીરે,
હું જ બળદ, ને હું જ ઘાણી થઈ જઈશ.

છે આપનો સાથ તો જીવન જેવું કંઈ છે,
તમે જશો તો હું ધૂળધાણી થઈ જઈશ.

હવે ક્યાં ય માણસાઈ નથી રહી નટવર,
લાગે છે,  હવે હું એક પ્રાણી થઈ જઈશ.

#નટવર
#જિંદગી
(પાણિ= હાથ)


બોનસ શેર!

સાથ જો મળી જાય મનેય ફેકું મોદીનો,
હું પણ અદાણી કે અંબાણી થઈ જઈશ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું