લાખ લાખ લોકના ટોળામાં જાણીતા જણ મળતા નથી,
આજકાલ ઝાંઝવાંના જળ છલકાવતા રણ મળતા નથી.
ઓગાળી મગરનાં આંસુમાં નમક સૌ લગાવે જખમ પર,
વહેતા વખત સાથે રૂઝાય જાય એવા વ્રણ મળતા નથી.
સૌ સગાઓ વહાલા નથી ને જે વહાલા છે એ સગા નથી,
સાવ સહજ જ મનમેળ થાય એવા સગપણ મળતા નથી.
કોઈ ઊતારો મારા ઘરની દિવાલ પરથી સહુ આઈનાઓ,
જેવો છે એવો જ ચહેરો બતાવે એવા દર્પણ મળતા નથી.
હસતા રમતા હાથમાં હાથ આવે, હરતા ફરતા હાથ છૂટે,
હવે ભવોભવ સાથ નિભાવે એવા વળગણ મળતા નથી.
ચહેરા પર મહોરું લગાવી ફરે હર કોઈ જગતના તખતે,
શોધો એક શખ્સ જેના ચહેરે કોઈ આવરણ મળતા નથી.
યુગ એવો હતો જ્યારે માબાપ પુત્રની ખાંધે યાત્રા
કરતા,
આ યુગમાં માબાપને ઘરે રાખે એવા શ્રવણ મળતા નથી.
હું આવતા જતા એમને એક નજરે જોવો ભટકાતો રહું છું,
મને મળવાના એક એમને એક પણ કારણ મળતા નથી.
ખુદા ખુદા કરી સહુ કોઈ ખુદાને ઘરે પહોંચી જાય નટવર,
કોઈનેય જીવતે જીવત કમબખત ખુદા પણ મળતા નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું