લેબલ નથી... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નથી... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 17 મે, 2016

નથી...

કવિતા છે,એ શબ્દોનો પ્રાસ નથી.
શબ્દોની રમતમાં હળવાશ નથી.

શ્વાસ ઉચ્છવાસની આવનજાવમાં;
પળની પણ કોઈને નવરાશ નથી. 

સિમેન્ટ કોન્ક્રીટનાં ઘના જંગલમાં;
વૃક્ષો માટે તો ક્યાંય અવકાશ નથી.

હોય દીવો ગમે એટલો તેજસ્વી;
એ જ દીવા નીચે અજવાશ નથી.

એ માણસનું જીવવાનું પણ કેવું ?
મનમાં જેના કોઈ એક આશ નથી. 

એશઆરામનાં ભારે દારોમદારમાં;
અહીં કોઈને કેમ જરાય હાશ નથી?

ચાલતા જ રહેવાનું છે હવે નટવર;
જિંદગીથી લાંબો કોઈ પ્રવાસ નથી.

રવિવાર, 19 એપ્રિલ, 2015

નથી...

હથેળીમાં જ છે એમ તો, પણ હસ્તગત નથી;
હાથની લકીરમાં ભાવિની કોઈ વિગત નથી.

એમની વણકહેલ સૌ વાત હું સમજી જાઉં છું;
મારી ખામોશી સમજાવું એટલી આવડત નથી.

કોઈના પર મરી મરી જીવતો રહ્યો જિંદગીભર;
એટલે મર્યા પછી ય જીવ મારો અવગત નથી.

જેને યાદ કરી કરી ખુદને જ હું વીસરી ગયો;
એનું જ મન મારી યાદમાં જરા ય રત નથી.

એક ટેવ પડી ગઈ છે ઇશ્ક કરવાની પહેલેથી;
બસ એના સિવાય બીજી કોઈ અન્ય લત નથી.

ગીતા કુરાન ને બાઈબલ ફંફોસી જોયા મેં યાર;
માધવ, મહમદ,  ઈશુના ક્યાંય દસ્તખત નથી.

કોણ સમજશે નટવર તારી વાત ફાની જહાંમાં;
તારા દિલની ધડકનો તારી સાથે સહમત નથી.

રવિવાર, 5 એપ્રિલ, 2015

નથી...

જવા દો, એની કોઈ દલીલ નથી;
આંસુથી જલદ કોઈ સલિલ નથી.

હાર્યો હું દાવો ઇશ્કનો દુનિયામાં;
આશિક છું, હું કાબેલ વકીલ નથી.

મેં તો સાવ જ છોડી દીધું છે હવે;
એમનાં તરફથી જરા ઢીલ નથી.

છે એ દરવાન એમનાં સ્વરૂપનો;
જે એમનાં ગાલે છે એ ખીલ નથી.

એમનાં નામે સતત ધબકે હવે એ;
મારું દિલ હવે મારું જ દિલ નથી.

એમના પર મરીને હું જીવતો રહ્યો;
એ કમસિન છે,  કોઈ કાતિલ નથી.

કેવી રીતે પહોંચું હું એના કિનારે?
ઇશ્કના દરિયાને કોઈ સાહિલ નથી.

મારી કવિતાઓ જાહેર રહેવા દેજો;
કવિતા કંઈ મારું અંગત વિલ નથી.

ખામોશ રહીને સહતો રહ્યો સદા;
બાકી નટવર સાવ બુઝદિલ નથી.

શનિવાર, 6 ડિસેમ્બર, 2014

નથી...

હૈયે છે પણ હોઠે લવાતું નથી;
એથી ગીત અધૂરું ગવાતું નથી.

હું એનો થયો હસતા રમતા;
એનાંથી જ મારા થવાતું નથી.

નજર એની છે જ બહુ કાતિલ;
વર્ના  એમ કોઈ ઘવાતું નથી.

વરસ્યું જે કોઈની અગાશીએ;
ફરી એ વાદળ છવાતું નથી.

રોજ રોજ મળવા તો આવે એ;
દિલ એનું સાથે લવાતું નથી.

સાકી તેં ભર્યો છે જે નજરોથી;
એ જામ મારાથી પિવાતું નથી.

બહાર ભલે ધોધમાર હેલી છે;
તુ નથી સાથે તો નવાતું નથી.

મંજિલ તો બે જ કદમ દૂર છે;
છતાં ય મારાથી જવાતું નથી.

એના પર હર પળ મર્યા વિના;
હવે તો મારાથી જિવાતું નથી.

બેશક હોવી જોઈએ દિલમાં કસક;
નહીંતર નટવર કંઈ લખાતું નથી.

રવિવાર, 22 જૂન, 2014

નથી...

વાત સાવ સાચી છે, પણ અજીબ નથી;
છે મારી પાસે જે, એ મારી કરીબ નથી.

રેખાઓ તો ઘણી છે મારી હથેળીઓમાં;
હાય રે!મારા  હસ્તમાં મારું નસીબ નથી.

મારાથી ન વાત છુપાવ મારી જ વાત;
તું તો મારો દોસ્ત છે, કોઈ રકીબ નથી.

કરો દુઆ મારા માટે, મરીઝ-એ-ઇશક છું;
દવા કરે આ મરજની એવો તબીબ નથી.

હૈયામાં જેના હામ હોય ને હોઠ પર હાસ્ય;
હોય ભલે મુફલિસ, શખ્સ એ ગરીબ નથી.

અણીના સમયે સાથ આપ્યો લાગણીઓએ;
કોમળ લાગણીથી કુશળ કોઈ હબીબ નથી.

બોલાવી મને મયખાને પ્યાસો રાખે સાકી;
સાકી, આ તારી કોઈ સારી તહઝીબ નથી.

એઓ ભલે મને વીસરી ગયા હસતા રમતા
;
એમને ભૂલવાની મારી પાસે તરકીબ નથી.

ખભે રાખી રોજ ફરતો રહ્યો છે નટવર જેને;
લટકાવ્યોતો ઈસુને એવી એ સલીબ નથી.


[તહઝીબ= શિષ્ટાચાર (સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન), સલીબ= सलीब =ક્રોસ, જેના પર ઇસુ મસીહાને લટકાવવામાં આવેલ (સંદર્ભઃ હિન્દી વર્ડનેટ)]


શનિવાર, 14 જૂન, 2014

નથી...

કહેવા જેવી કોઈ ખબર નથી;
છે બધું જ પણ સરભર નથી.

જેને હું હરદમ તાક્યા કરું છું;
મારા પર એની જ નજર નથી.

દફનાવ્યા કંઈક રંગીન સપનાં;
પણ એની કોઈ જ કબર નથી.

એ મારા દિલમાં રહે હર ઘડી;
એમનાં દિલમાં મારું ઘર નથી. 

કોરાં રહી જવાય છે વરસાદમાં;
મન ભીતરથી તરબતર નથી.

કંઈ કમી રહી ગઈ છે શબ્દોમાં;
મારી નજમની એને અસર નથી.

મંદિરમાં મૂક્યો,પ્રભુ બની ગયો;
હવે એ સમજે, એ પથ્થર નથી.

દિલ જ તૂટ્યું છે,બાકી કંઈ નથી;
રોદણાં રોવાનો એ અવસર નથી.

હજી ઘણો અભિનય કરવાનો છે;
તું છે પણ તુંય ખરો નટવર નથી.


બુધવાર, 27 નવેમ્બર, 2013

નથી...

જેવો હું તરસ્યો છું દોસ્ત, એવું તો કોઈ તરસતું નથી;
વાદળ છવાય છે એમની ઝૂલ્ફોનું પણ વરસતું નથી.

મળ્યા છે પળ બે પળ માટે આવતા જતા રસ્તામાં;
મુખ મનોહર એમનું નજર સામેથી હવે ખસતું નથી.

રૂબરૂ થયા એ સપનાંમાં મને તો આલિંગ્યા પણ છે.
હાય રે કિસ્મત!એ આલિંગન એમનું તસતસતું નથી.

પુર તો જરૂર ઊભરતું હશે એમના ઉરમાં પણ સ્નેહનું;
તણાય જાઉં એ પુરમાં હું એટલું એ ધસમસતું નથી.

આયનો આજકાલ હીબકે ચઢ્યો છે, રોક્યો ન રોકાય;
આવે એની આસપાસ ઘણાં, અંદર કોઈ વસતું નથી.

ચેન ખોવાયું દિવસનું, નીંદર થઈ વેરણ હર રાતની;
ઇશ્ક કરવાનું યાર,  તું ધારે એટલું સાવ સસતું નથી.

ચિનગારી લઈને ચકમક પણ ક્યાં સુધી ભટકતું રહે?
તણખો કેમ થાય?ચકમક સાથે લોહ કોઈ ઘસતું નથી.

ન પૂછ દોસ્ત તું મને કેમ હાસ્ય મારું મશહૂર થયું છે?
કારણ ભીની આંખે હસ્યો છું એવું તો કોઈ હસતું નથી.

એક દિ એમને તારા પ્રેમની કિંમત સમજાશે નટવર;
કસ્યો  છે તારા પ્રેમને એમણે એટલું કોઈ કસતું નથી.