શનિવાર, 6 ડિસેમ્બર, 2014

નથી...

હૈયે છે પણ હોઠે લવાતું નથી;
એથી ગીત અધૂરું ગવાતું નથી.

હું એનો થયો હસતા રમતા;
એનાંથી જ મારા થવાતું નથી.

નજર એની છે જ બહુ કાતિલ;
વર્ના  એમ કોઈ ઘવાતું નથી.

વરસ્યું જે કોઈની અગાશીએ;
ફરી એ વાદળ છવાતું નથી.

રોજ રોજ મળવા તો આવે એ;
દિલ એનું સાથે લવાતું નથી.

સાકી તેં ભર્યો છે જે નજરોથી;
એ જામ મારાથી પિવાતું નથી.

બહાર ભલે ધોધમાર હેલી છે;
તુ નથી સાથે તો નવાતું નથી.

મંજિલ તો બે જ કદમ દૂર છે;
છતાં ય મારાથી જવાતું નથી.

એના પર હર પળ મર્યા વિના;
હવે તો મારાથી જિવાતું નથી.

બેશક હોવી જોઈએ દિલમાં કસક;
નહીંતર નટવર કંઈ લખાતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું