રવિવાર, 19 એપ્રિલ, 2015

નથી...

હથેળીમાં જ છે એમ તો, પણ હસ્તગત નથી;
હાથની લકીરમાં ભાવિની કોઈ વિગત નથી.

એમની વણકહેલ સૌ વાત હું સમજી જાઉં છું;
મારી ખામોશી સમજાવું એટલી આવડત નથી.

કોઈના પર મરી મરી જીવતો રહ્યો જિંદગીભર;
એટલે મર્યા પછી ય જીવ મારો અવગત નથી.

જેને યાદ કરી કરી ખુદને જ હું વીસરી ગયો;
એનું જ મન મારી યાદમાં જરા ય રત નથી.

એક ટેવ પડી ગઈ છે ઇશ્ક કરવાની પહેલેથી;
બસ એના સિવાય બીજી કોઈ અન્ય લત નથી.

ગીતા કુરાન ને બાઈબલ ફંફોસી જોયા મેં યાર;
માધવ, મહમદ,  ઈશુના ક્યાંય દસ્તખત નથી.

કોણ સમજશે નટવર તારી વાત ફાની જહાંમાં;
તારા દિલની ધડકનો તારી સાથે સહમત નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું