બુધવાર, 27 નવેમ્બર, 2013

નથી...

જેવો હું તરસ્યો છું દોસ્ત, એવું તો કોઈ તરસતું નથી;
વાદળ છવાય છે એમની ઝૂલ્ફોનું પણ વરસતું નથી.

મળ્યા છે પળ બે પળ માટે આવતા જતા રસ્તામાં;
મુખ મનોહર એમનું નજર સામેથી હવે ખસતું નથી.

રૂબરૂ થયા એ સપનાંમાં મને તો આલિંગ્યા પણ છે.
હાય રે કિસ્મત!એ આલિંગન એમનું તસતસતું નથી.

પુર તો જરૂર ઊભરતું હશે એમના ઉરમાં પણ સ્નેહનું;
તણાય જાઉં એ પુરમાં હું એટલું એ ધસમસતું નથી.

આયનો આજકાલ હીબકે ચઢ્યો છે, રોક્યો ન રોકાય;
આવે એની આસપાસ ઘણાં, અંદર કોઈ વસતું નથી.

ચેન ખોવાયું દિવસનું, નીંદર થઈ વેરણ હર રાતની;
ઇશ્ક કરવાનું યાર,  તું ધારે એટલું સાવ સસતું નથી.

ચિનગારી લઈને ચકમક પણ ક્યાં સુધી ભટકતું રહે?
તણખો કેમ થાય?ચકમક સાથે લોહ કોઈ ઘસતું નથી.

ન પૂછ દોસ્ત તું મને કેમ હાસ્ય મારું મશહૂર થયું છે?
કારણ ભીની આંખે હસ્યો છું એવું તો કોઈ હસતું નથી.

એક દિ એમને તારા પ્રેમની કિંમત સમજાશે નટવર;
કસ્યો  છે તારા પ્રેમને એમણે એટલું કોઈ કસતું નથી.

2 ટિપ્પણીઓ:

  1. કવિ ક્યારેય નાનો મોટો નથી હોતો અને તમારી કવિતાઓ સરસ અર્થપૂર્ણ હોય છે અભિનંદન દિલથી લખતાં રહો કલમ અટકવી ના જોઈયે

    જવાબ આપોકાઢી નાખો
  2. નટવરભાઈ, આપને ખુબ ખુબ અભિનંદન..૫૦૦ મી કવિતા..અને લખતા જ રહેજો..વિવેચકો તેનુ કામ કર્યા કરે જેમ કાગડાઓ ચંચૂપાત કરે..

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું