મંગળવાર, 26 નવેમ્બર, 2013

નથી...

વાત એમ તો કંઈ સાવ અજાણી નથી;
આંસુ કંઈ  ફક્ત સલાઈન પાણી નથી.

સમજનારા સમજશે  શાનથી સાનમાં;
મૌનથી મોઘમ બીજી કોઈ વાણી નથી.

પીશો તો  સમજાશે મતલબ પ્યાસનો.
કોણ કહે છે ઝાંઝવાની સરવાણી નથી?

ભલભલાં કપરાં દર્દ પણ પીસાય જાય;
સમયના ચક્રથી કુશળ કોઈ ઘાણી નથી.

પ્રેમીને ને પ્રેમને સમજતા વાર લાગશે;
દુનિયા ભલે ડાહી છે, પણ શાણી નથી.

ઊજવતાં આવડવું જોઈએ દોસ્ત મારા;
જિંદગીથી ભવ્ય બીજી કોઈ ઉજાણી નથી.

સાથ છે સનમ, તારો મારો ભવોભવનો;
ભલેને હાથમાં મારા તારો પાણિ નથી.

તારાં જ બનાવેલ હવે તને બનાવે પ્રભુ;
માનવથી વિચિત્ર બીજું કોઈ પ્રાણી નથી.

મારી વાર્તા પણ જરાક જુદી દોસ્ત મારા;
એમાં રાજા તો છે પણ કોઈ રાણી નથી.

સાવ ઠાલી વાહ વાહ ન કરો નટવરની;
તમે મારી કવિતા વાંચી છે, માણી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું