શનિવાર, 23 નવેમ્બર, 2013

કશિશ...

હવે તમને સનમ, કંઈ વધારે ન કદી હું કહીશ;
એટલું જ કે તમારા વિના જીવતો ન હું રહીશ.

સાંભળશો ધ્યાન દઈ તો સંભળાશે તમારું નામ;
કબરમાં સુતા સુતા પણ તમારા નામે હું શ્વસીશ.

યાદ મારી સાવ અચાનક તમને સતાવશે કદીક;
તમારી કથ્થઈ આંખોથી બની આંસું હું વહીશ.

શોધવો હોય તો તારી આસપાસ જ શોધજો મને;
પડછાયો આપનો બની હરદમ સાથે જ હું રહીશ.

આપ્યું છે વચન આપને સદા હસતા રહેવાનું મેં;
એથી ભરી મહેફિલમાં ભીની ભીની આંખે હું હસીશ.

ખૂટી જો જાય સ્યાહી સનમ, મારી કલમમાં કદી;
લહૂ કે આંસુ વડે મારી હર નવી નજમ હું લખીશ.

આજે તો ભલે આપ્યો છે જાકારો તમે સપનાંમાંથી;
ખચિત માનજો સનમ તમારા જ દિલમાં હું વસીશ.

ભલે હોય આ ઇશ્ક આગનો એક ધગધગતો દરિયો;
આપના સ્નેહનાં શીતળ સથવારે એ પણ હું તરીશ.

એમ તો બહુ લખ લખ કરતો રહ્યો નટવર સનમ;
ને તોય કદી લાવી નથી શક્યો શબ્દોમાં હું કશિશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું