શનિવાર, 23 નવેમ્બર, 2013

અંદેશ...


એ વાતનો મને દોસ્ત, જરા ય ન હતો અંદેશ;
મારા વહાલા વતનને વિસરાવી દેશે  પરદેશ.

દૂર દૂર જરૂર કોઈ મને વારે વારે યાદ કરે છે;
એથી હર કદમ કદમ પર લાગે મને અહિં ઠેશ.

સમજવો,સમજાવવો બહુ અઘરો છે મારા પ્રેમને;
સમજે તો સમજાય,નાસમજ સમજે એને આવેશ.

રાત પણ રડી હશે મારી સાથે વિરહમાં કોઈના;
સવારે ફૂલો પર હોય ઓશ રૂપે એના અવશેષ.

એ શું જાણે કેટલાંયનાં હૈયા થઈ જાય છે ઘાયલ!
સદ્યસ્નાતા જ્યારે અગાશીએ આવે સૂકવવા કેશ.

બની પિતા પુત્ર પતિ પ્રેમી ભાઈ કાકા મામા માસા;
જગતના તખ્તે ભજવ્યા કરું છું હું જુદા જુદા વેશ.

આ આયનાનું મારે શું કરવું એ સમજાવ યાર મને;
હું એનો એ જ રહી ગયો,બદલ્યા રાખે એ પહેરવેશ.

છે સીધી સાદી, નથી ગહન નટવરની કવિતાઓ;
હોય છે એમાં સાવ સાચો સાચા પ્રેમનો એક સંદેશ.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું