શનિવાર, 24 માર્ચ, 2018

જરૂરી છે...

જીવવા માટે અનેક કારણ જરૂરી છે,
હું પણ જરૂરી છું ને તું પણ જરૂરી છે.

એમ તો સૌ એકલાં જ મરી જાય છે,
પણ જીવવા કોઈ ખાસ જણ જરૂરી છે.

પ્યાસ સહરાની લઈને ક્યાં ભટકાય?
મૃગજળને પીવા ય એક રણ જરૂરી છે.

રોજની રામાયણ તો આજે ય થાય છે,
કોઈ ઇચ્છાનું માયાવી હરણ જરૂરી છે.

જિંદગી સાથે રહી અજાણ્યા રહી જવાય,
ઓળખાણ માટે બસ,એક ક્ષણ જરૂરી છે.

ગઝલ લખતા લખતા તો લખાઈ જાય,
મરમ એનો માણવા સમજણ જરૂરી છે.

દોસ્ત યાર સનમને ય જાણવા નટવર,
ક્યારેક ખરી કે ખોટી ચણભણ જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું