સોમવાર, 25 ડિસેમ્બર, 2017

કોરા પ્રકરણ...



કિતાબ-એ- જિંદગીમાં કોરા પ્રકરણ ઘણાં છે.
ન પૂછો છે કેમ એમ,  એનાં કારણ ઘણાં છે.

બહારથી સઘળે બધે શાંત લાગતું રહે ભલે!
જો કે હર ઘરમાં ખખડતા વાસણ ઘણાં છે!

દેશનું ભલું કરવા નીકળ્યા છે હાલીમવાલી!
એમની પાસે ઠાલાં વચન ને ભાષણ ઘણાં છે!

કોને ઓળખું હુંકોને ન ઓળખું ટોળામાં?
હર જાણીતા ચહેરાઓ પર આવરણ ઘણાં છે.

પ્રમય પ્રેમનો ઊકેલતા ઊકેલતા જાણ થઈ!
એમાં પણ અઘરા અધૂરાં સમીકરણ ઘણાં છે.

ઝેર જુદાઈનું પીતા પીતા પણ જીવી જવાય!
મીઠાં મધુરા એ ઝેરનાં પણ મારણ ઘણાં છે !

કોઈ બચતું નથી અહિંયાં ઇશ્કના મોહપાશથી
એ મસ્ત મસ્ત માયાજાળના કામણ ઘણાં છે !!

થોડા મુલાયમ જખમ દૂઝતા રાખ્યા છે નટવરે!
બાકી એમ તો યાર, એનાં ય નિવારણ ઘણાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું