રવિવાર, 9 જુલાઈ, 2017

વસિયત...

જગાડવાની, જાગતા રહેવાની પણ આદત થઈ જશે સનમ !
મારા જેવા કોઈ કવિ સાથે જ્યારે મુહબ્બત થઈ જશે સનમ !

આવતા જતા, જતા આવતા બસ, આમ મને મળતા રહેશો !
એમ કરતા કરતા જ ઇશ્ક કરવાની ગફલત થઈ જશે સનમ !

હું ક્યાં કહું છું રાહ-એ-જિંદગી પર હર ઘડી તમારો સાથ મળે?
કદમ બે કદમ સાથે ચાલશો, ખાસી રહમત થઈ જશે સનમ !

એક વાર મને વીસરવાનો જરાક પ્રયત્ન કરી તો જુઓ તમે !
નિશદિન સદા ય મને યાદ કરવાની ફિતરત થઈ જશે સનમ!

આયનો આપને જોઈને શરમાય જાય જ્યારે મને વિચારો તમે!
અને હું નજરે ન આવું તો આયના સાથે નફરત થઈ જશે સનમ!

ના ના કહો છો પણ આપે જ ઘાયલ કર્યું છે મારા પાગલ દિલને!
મારા સીના પર હાથ તમારો મૂકો એની મરમ્મત થઈ જશે સનમ!

મંદિર મસ્જિદ ગુરુદ્વારા દેવળમાં જવાથી ખુદા નથી મળવાનો !
એક વાર ઇશ્ક કરશો જિંદગીમાં બસ, વહદત થઈ જશે સનમ !!

તમારા પર મરી મરીને જીવતો રહ્યો છું હું એ એક અજાયબી છે!
લેવા આવશો તમે ખબર, ફૂલગુલાબી તબિયત થઈ જશે સનમ!

કરી હતી શરૂઆત લખવાની જ્યારે નટવરે ત્યારે જાણ ન હતી !
એની એ નાહક નજમો આખરે એની વસિયત થઈ જશે સનમ !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું