શનિવાર, 24 જૂન, 2017

નકાબ...

આપની નજર પર જરૂર હશે કોઈક નકાબ !
નહીંતર જેવો છું એવો નજરે આવું જનાબ !!

આપે તો જિંદગીભર પીધી ન હશે કદી પણ !
જામમાં મેં તો છોડી છે એનાથી વધુ શરાબ !!

જો કોઈને કદીક જરાક હદથી વધુ ચાહીએ !
ને એનો ય થોડોક તો વધી જાય છે રુઆબ !!

ઊથલાવશો જો એક પછી એક પાનાઓ એનાં !
તો સાવ કોરી મળશે મારી જિંદગીની કિતાબ !!

બહુ સાચવીએ આપણે આપણી જાતને તોય !
તાણી લઈ જાય છે સૌને લાગણીનો સૈલાબ !!

એ જ હસતા રમતા દઈ જાય છે એક દિ દગો !
ચાહતા હોઈએ જેને આપણે દિલથી બેહિસાબ !!

થતા થતા જો થઈ ગયો ઇશ્ક તો એટલું જ થયું !
આશિક આવારા દિવાનાના મળ્યા મને ખિતાબ !!

જરૂર કોઈક કીમિયો હશે એની પાસે પણ યાર !
રહીને કાંટા વચ્ચે જખ્મી નથી થતા ગુલાબ !!

ઇશ્કના ખેલમાં જે દિલ હારે છે હસતા હસતા !
થઈ જાય છે નટવર ઇશ્કમાં કામિયાબ !!ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું