શનિવાર, 24 જૂન, 2017

સપનાં વાવીને આવ્યો છું!

મરુભૂમિમાં હું સપ્તરંગી સપનાં વાવીને આવ્યો છું!
અને ઝાંઝવાંના જળથી રણ છલકાવીને આવ્યો છું!

ધડકનો મારા દિલની તેજ થઈ તો નવાઈ નથી !
દિલ મારું હું કોઈક સાથે હું બદલાવીને આવ્યો છું!!

જે વાત કદી ય હું સમજ્યો નથી ઓ યાર મારા !
એ જ વાત હું મહેફિલને સમજાવીને આવ્યો છું !!

વખત મારો સાવ થંભી ગયો હવે એમનાં વગર!
સમય એમનો ય હતો ત્યાં અટકાવીને આવ્યો છું !

આજે મંદિરે નથી જવું, ન તો પઢવી મારે નમાજ !
એક રડતા બાળકને આજ હું હસાવીને આવ્યો છું !!

સો ટચનો ઇશ્ક છે મારો એ એમને સમજાશે કદી !
વિરહની જ્વાળામાં હું ઇશ્કને તપાવીને આવ્યો છું !!

ભવોભવથી ભટકતો હતો ભવાટવીમાં તરસ્યો હું !
એક દરિયો તરસનો આજ ગટગટાવીને આવ્યો છું !!

રોજબરોજ એકાદ ગઝલ લખતો આવ્યો છે નટવર!
એવું કિસ્મત વિધાતા પાસે હું લખાવીને આવ્યો છું !!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું