શનિવાર, 24 જૂન, 2017

ધાંધલધમાલ...
થોડુંક જીવવા ય ઝાઝી ધાંધલધમાલ કરવી પડે !
ને ઘણી અણગમતી લાગણી બહરહાલ કરવી પડે!


થતા થતા ઇશ્ક નથી થતો એમ જ સાવ સહજ !
આલમ ઇશ્કનો એવો, જાતને નિહાલ કરવી પડે!


એમ જ તો ફિદા નથી થઈ જતું કોઈ કોઈના પર!
પટાવવા કોઈને જાત જાતની કમાલ કરવી પડે !


હર બાળક વહાલું હોય છે તોય શું થઈ ગયું યાર?
ક્યારેક એના જ ભલાં માટે આંખ લાલ કરવી પડે!


જિંદગી છે, કઈ ઘડીએ હસતા રમતા દઈ દે દગો !
છેતરવા એને ક્યારેક આડી તેડી ચાલ કરવી પડે !


ક ક્રાંતિનો ઘૂંટવાથી કંઈ ક્રાંતિ નથી થઈ જતી યાર!
કરવી હોય જો ક્રાંતિ તો કલમને મશાલ કરવી પડે!


દુનિયા આખીને છેતરવી ખાસ મુશ્કેલ નથી નટવર!
પણ ખુદની જાતને છેતરવા બહુ બબાલ કરવી પડે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું