શનિવાર, 25 ફેબ્રુઆરી, 2017

લથડ્યો છું...

શું કહું તમને  યારો, હું જ મને ઘણીવાર નડ્યો છું !
બહુ સાચવીને ચાલ્યો એથી હું ઘણીવાર પડ્યો છું !!

ખોવાય ગયો કોઈ મલાખી આંખોની ગહેરાઈમાં !
સહુ સખા સંબંધીઓને ન તો પછી કદી જડ્યો છું !!

મારા આંસુંઓ પણ મેં પીધાં છે યાર, હસતા હસતા !
હસતા હસતા ચોધાર આંસુંએ ઘણીવાર રડ્યો છું !!

છે મુશ્કેલ જીતવું ખુદને સમજતા સમજતા સમજાયું !
ખુદને જીતવા હું ખુદ અને ખુદા સાથે બહુ લડ્યો છું !!

મારો આયનો જ મને છેતરતો આવ્યો છે જિંદગીભર !
મનાવવા રિસાયેલ આયનાને નજાકતથી અડ્યો છું !!

ખાલી ચણો વાગે ઘણો,અધૂરો ઘડો છલકાય અમસ્તો !
ન તો હું છું ભરેલ, ન અધૂરો, હું તો સદા ખખડ્યો છું !!

જામ, પયમાના,સુરાહીએ દીધો છે દગો હંમેશ મને તો!
જ્યારે જ્યારે આંખોથી પીધું, હંમેશ હું વધુ લથડ્યો છું !!

સીધો સાદો એક અદનો આમ ઇન્સાન છે આ નટવર !
મળ્યો જ્યાં મારી લાગણીઓને ઢાળ,ત્યાં હું દદડ્યો છું !!ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું