શનિવાર, 10 સપ્ટેમ્બર, 2016

પરિચિત...

મને મળવાનું રાખો તમે સનમ, થોડું નિયમિત;
ધીરે ધીરે તમને પણ થઈ જશે મારી સાથે પ્રીત.

ભલે તમે ના ના કરતા રહો છો ભરી મહેફિલમાં;
પણ તન્હાઈમાં ગણગણો છો તમે મારા પ્રેમગીત.

હોઠોથી ન તમે કંઈ કહ્યું, ન તો મેં કંઈ સાંભળ્યું;
મને તો જચી ગઈ આંખોથી વાત કરવાની રીત.

તમે મારા થાઓ ન થાઓ, જેવી મરજી તમારી;
ના ના કરતા હું થઈ ગયો તમારો છે એ ખચિત!

હું કોણ છું? તમે કોણ છો?કોણ એ જાણે ખરેખર?
આપણે તો આપણી સાથે જ થવાનું છે પરિચિત.

મારું જે થવાનું હશે એ થશે દિલ મારું તૂટવાથી;
હું છું જ એવો, કદી ય ન ચાહું હું તમારું અહિત!

જવું જ હતું તો ચાલ્યા ગયા અલવિદા કહ્યા વિના;
હું જાણું જિંદગી તમે મારા ખયાલમાં કરશો વ્યતીત.

છે આજની ઘડી રળિયામણી નટવર જીવવા માટે;
વીતી ગયેલ ઘડી થઈ જાય છે પળભરમાં અતીત.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું