શનિવાર, 10 સપ્ટેમ્બર, 2016

પાણી સલાઇન...

ઓ સનમ,જ્યારે જ્યારે તું હોય છે ઓનલાઇન;
નરમગરમ તબિયત મારી થઈ જાય છે ફાઇન.

ભલે તું આજે મારી એ વાત માને યા ન માને;
જ્યાં આજે હું ઊભો છું, શરૂ થશે ત્યાંથી લાઇન!

સાકી, સુરાહી કે જામ સાથે મારે શી લેવાદેવા?
મારે તો પીવો છે તારા અધરોથી જૂનો વાઇન!

યાદમાં તારી આવતા આંસુ અમૃત મારા માટે;
ભલે સનમ,  હોય તારા માટે પાણી સલાઇન.

ચાલ, ક્યારેક લડી ઝગડીને જુદા થઈ જઈએ;
ફરી અચાનક મળી જિંદગીને કરીએ રિફાઇન.

સમજતા સમજતા જ સમજાશે તને એક દિ એ;
જેવો છે એવો ઇશ્ક આપણો પણ છે ડિવાઇન !

ઇશ્ક છે તો એને ઇશ્ક રહેવા દઈએ જિંદગીભર;
એ અમર ઇશ્કને ન કદી કરીએ આપણે ડિફાઇન.

હથેળીઓની લકીરોમાં નથી ભાવિ સંતાયું સનમ;
એ લકીરો છે બસ કુદરતની એક મસ્ત ડિઝાઇન.

તનથી તન મળવાની વાત ઇશ્ક નથી નટવર;
ઇશ્કમાં તો મનથી મન કરવાનું હોય અલાઈન.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું