શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2016

ભાગ્યશાળી છે...

મારા ઇશ્કની વાત સનમ, ખરેખર સાવ નીરાળી છે;
છે તું જોજનો દૂર, તને મેં મારી આસપાસ ભાળી છે.

વાત મારી તું માને ય ન માને સનમ, તારી મરજી;
જુદા થયા પછી પણ હર પળ તારી સાથ ગાળી છે.

દિવસ તો વીતી જાય મારો તારા હસીન ખયાલોમાં;
ને તારા કમસીન સપનાં જોવાની મારે રાતપાળી છે.

ભલે ખોટાં હોય કે ખરાં, ગમે મને તારા હર નખરાં;
છે તું અલગ,છે તું વિશેષ, ગમે મને તું નખરાળી છે.

જેવો છું એવો હું નથી રહ્યો તને મળ્યા બાદ સનમ;
તારા જ બનાવેલ બીબાંમાં મેં મારી જાતને ઢાળી છે.

તું કહે તો હું તારો, તું ના કહે તો હું થઈ જઈશ મારો;
કહી દે દિલ ખોલીને, વાત તારી ક્યાં કદી ટાળી છે?

જો તારો હાથ મારા હાથમાં હોય સદાને માટે સનમ;
મારે તો રોજબરોજ રમજાન, રોજબરોજ દિવાળી છે.

હર કદમ પર સાચવી સાચવીને ડગ માંડવો રહ્યો;
આસાન નથી આ રાહ-એ-ઇશ્ક,એ ભારે પથરાળી છે.

ઘાયલ કી ઘાયલ જાણે, દુસરો ન જાણે કદી એ મજા;
જેણે કર્યો ઇશ્ક જહાંમાં નટવર, સૌથી ભાગ્યશાળી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું