રવિવાર, 28 ઑગસ્ટ, 2016

હું ધબકું છું...

કહે સનમ હું ક્યાં, કદી પણ ખોટું બકું છું?
ધ્યાનથી સાંભળ,તારા દિલમાં હું ધબકું છું!

કેટકેટલી નજર મને કેદ કરવા તત્પર છે!
બસ તારી જ નશીલી નજરથી હું છટકું છું.

કેટકેટલાં રૂપ ધર્યા તને મનાવવા મેં તો;
તારા કપાળે રક્તિમ ચાંદલાનું ટપકું છું.

એવો તો ખોવાયો તારા હસીન ખયાલોમાં;
મારા ઘરમાં મને શોધવા ઠેર ઠેર ભટકું છું.

ભવોભવની પ્યાસ લઈને બેઠો છું યુગોથી;
મારા જ આંસુંઓને અમૃત સમજી ગટકું છું.

હોય એવું કહી દેવાની કુટેવ છે મને યારો;
એથી મારા યાર દોસ્તોને ક્યારેક ખટકું છું.

મુસાફર છું, સફરમાં રહું છું સદા એકલો હું;
વહેતી હવા છું, હું ક્યાં એક જગાએ ટકું છું?

એમ તો ઘણું કહેવાનું બાકી રાખ્યું નટવરે;
તને સમય નથી, એટલે અહીં જ અટકું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું