રવિવાર, 28 ઑગસ્ટ, 2016

જરા જરા...

થઈ રહી છે ઇશ્કની અસર જરા જરા;
તોય રહી ગઈ ક્યાંક કસર જરા જરા.

ધબકારા દિલનાં વધી જાય છે મારા;
ઊડે એનો પાલવ સરસર જરા જરા.

આદત છે એની હું શું કરું એમાં હવે?
ઇશ્ક કરવા ય કરે કરકસર જરા જરા.

ઉછીના શ્વાસ લઈ લઈ જીવી જવાયું;
કરી રહ્યો છું જિંદગી બસર જરા જરા.

ભલે લાગે છે સુંવાળા જખમ રુઝાયા;
ભીતર પાંગરતી રહી ટસર જરા જરા.

હું તો એને હરદમ યાદ કરતો રહ્યો;
કરે મને યાદ અકસર જરા જરા.

કયા હાથે લખ્યા હશે વિધાતાએ લેખ?
ઊકેલી રહ્યો છું એના અક્ષર જરા જરા.

લખતો રહે નટવર સીધી વાત દિલની;
શિખી જશે લખતા મુખ્તસર જરા જરા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું