રવિવાર, 28 ઑગસ્ટ, 2016

જવાતું નથી...


જ્યાં જવાનું હોય ત્યાં જ તો બધાથી જવાતું નથી;
દુનિયામાં કોણ છે એવું જે કદી પણ મુઝાતું નથી?

મારી ખાલી આંખોમાં ઘણા હસીન ચહેરા વસ્યા છે;
પણ સનમ,તારી જેમ તો દિલમાં કોઈ સમાતું નથી.

ચહેરા પર હાસ્ય ચિપકાવીને ફરતા રહેવું પડે છે;
સાલું, દિલ ખોલીને પહેલાં જેવું હવે હસાતું નથી.

છેલ્લું પાન હતું એ આજે ખરી ગયું પવનનાં ઝોકે;
સૂની ડાળે પંખી બેઠું, એનાથી ગીત ગવાતું નથી.

બહુ આગ્રહ કરતા મળવા આવે મને એ મનેકમને;
એ આવે તો છે,પણ ખુદને એની સાથે લવાતું નથી!

બસ કર સાકી, આમ નજરથી જામ ભરતા રહેવાનું!
જામ મારું છે જ એવું, જે સહેલાઈથી છલકાતું નથી.

લાખ લાખ લોકમાં ય હું સાવ એકલવાયો રહી ગયો;
જાણીતા મળ્યા અજનબી બની,અજાણ્યું ભટકાતું નથી.

રમત આપણી જિંદગીની રમાડે રામ એમ રમવું પડે;
કરી અંચઈ આપણી રીતે તો યાર, કદી રમાતું નથી.

ઘાયલકી ગત કોઈ ઘાયલ જાણે, દુસરો ન જાણે કોઈ;
જે રીતે ઘવાયો છે નટવર એ રીતે કોઈ ઘવાતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું