રવિવાર, 14 ઑગસ્ટ, 2016

લમણાઝીંક...

બધું જ અહીં ત્યારે ઠીક ઠીક હોય છે;
જ્યારે એ મારી સાવ નજીક હોય છે.

કરે એ તો બહુ કરકસર ઇશ્ક કરવામાં;
અને ઇશ્ક મારો હંમેશ અધિક હોય છે.

રાહ-એ-ઇશ્ક લાગે એવો આસાન નથી;
એમાંય યાર, ઘણી લમણાઝીંક હોય છે.

હું તો હર પળ, હરરોજ યાદ કરું એને;
એ મને યાદ કરે એવું તો કદીક હોય છે.

એનાં ગુલાબી ગાલે છે જે કાળો તલ;
મારા પાવન પ્રેમનું જ પ્રતીક હોય છે.

રૂપિયા, પૈસા ચેન નથી આપતા કદી;
રાતે જે ચેનથી સૂએ એ ધનિક હોય છે.

ચહેરાથી ક્યાં ઓળખાય છે શખ્સ અહીં?
સાવ સૂક્કો લાગતો શખ્સ રસિક હોય છે.

ડર મટી જાય જ્યારે અહીં સહુ કોઈનો;
ત્યારે આપણને ખુદની જ બીક હોય છે.

આપણે પણ આપણાં હોતા નથી કદી;
આપણોય કોઈ ને કોઈ માલિક હોય છે.

માનવું ન માનવું તમારી મરજી યારો;
બાકી કવિતા નટવરની મૌલિક હોય છે.1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું