શનિવાર, 13 ઑગસ્ટ, 2016

જરૂર ક્યાં છે?

કંઈક ખરું કંઈ કે, ખોટું ધારવાની જરૂર ક્યાં છે?
બગડ્યું ક્યાં છે, તો સુધારવાની જરૂર ક્યાં છે?

દિલ મારું રાખ્યું હતું જમા સનમ તારા જ માટે;
દિલ તારું મારા નામે ઉધારવાની જરૂર ક્યાં છે?

જેટલો ઇશ્ક છે એટલો પૂરતો આપણે બન્ને માટે;
આજે કે કાલે એ ઇશ્ક વધારવાની જરૂર ક્યાં છે?

રૂબરૂ મળવાનું કહીને ન આવી કદી ય તું સનમ;
છાનામાનાં સપનાંમાં પધારવાની જરૂર ક્યાં છે?

આખરે હતું નસીબમાં તારી આંખોમાં જ ડૂબવાનું;
તો હવે ઓ સનમ, મને ઉગારવાની જરૂર ક્યાં છે?

હુકમનાં બધાં પાના રાખી હાથમાં હારવું હતું મારે;
જે દિલથી હાર્યો એને વધુ હરાવવાની જરૂર ક્યાં છે?

નજમમાં જ નહીં, જિંદગીમાં થોડી ગલતી જરૂરી છે;
જેવી છે એવી રહેવા દો, મઠારવાની જરૂર ક્યાં છે?

સમજનારા સમજી જશે સાનમાં નટવર તારી વાત;
કાગળની હોડીને રણમાં તરાવવાની જરૂર ક્યાં છે?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું