રવિવાર, 31 જુલાઈ, 2016

રાહ-એ- ઇશ્ક...

રાહ-એ- ઇશ્ક પર ચાલતા ન કરશો યારો કોઈ ગફલત;
રાહ એ એવો, જ્યાં પાછાં ફરવાની નથી કોઈ સવલત.

ઇશ્કમાં હોઠોથી ન કંઈ કહેવાનું, ન તો કંઈ સાંભળવાનું;
નજર સાથે મળે નજર,નજર નજરમાં થઈ જાય મસલત.

એક ઘૂંટમાં થઈ ગયો નશો ન જાણે એવો તે કેવો મને?
બાકી જામમાં એમણે આપ્યું હતું મને ગુલાબનું શરબત !

આમ તો આખરી શ્વાસ જ ગણી રહ્યો હતો ઇંતેજારમાં હું;
એઓ આવ્યા ખબર લેવા, સુધરી રહી છે મારી તબિયત.

ઇશ્ક ઇશ્કની વાત છે,  છે ઇશ્કની અસર એવી અજાયબ;
ધીરે ધીરે ઇશ્કમાં વહાલી લાગવા માંડે વહાલીની નફરત.

હદ આખરી ઇશ્કમાં આવી ગઈ કે ખુદાને ય વીસરી ગયો;
સનમની આંખોમાં વાંચુ આયત,વાત એની બની શરિયત.

જંગ-એ-ઇશ્કમાં થઈ જાય જે ઇશ્કી હસતા હસતા શહીદ;
કોઈના પર મરતા મરતા જીવ એનો થઈ જાય સદગત!

ઇશ્ક ફરમાવતા પહેલાં સો સો વાર વિચારવું રહ્યું દોસ્ત;
છે થોડો મને અનુભવ, માન તું મારી નાનકડી નસિયત.

શું છે નટવરની આ નાહક કવિતાઓ, એના આ કવનો?
રહ્યો ભલે સાવ મુફલિસ, છે એ મહામૂલી એની વસિયત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું