રવિવાર, 31 જુલાઈ, 2016

માણસ તો એવો કે...

માણસ તો એવો કે, સાવ અમસ્તો એ પરેશાન રહે;
માણસ તો એવો કે, ખુદના ઘરમાં એ મહેમાન રહે.

માણસ તો એવો કે, કરે કમસીન ગુના હસતા રમતા;
માણસ તો એવો કે, હોય ગુનેગાર તો ય નાદાન રહે.

માણસ તો એવો કે, ઈમાનદારી વાત કરતો રહે એ;
માણસ તો એવો કે, જે ખુદની સાથે જ બેઇમાન રહે.

માણસ તો એવો કે, શોધતો ખુદાને દરબદર ભટકે;
માણસ તો એવો કે,ન જાણે એની અંદર રહેમાન રહે.

માણસ તો એવો કે, સાવ નિછાવર થઈ જાય ઇશ્કમાં;
માણસ તો એવો કે, કોઈક ઘાયલ દિલની જાન રહે.

માણસ તો એવો કે, ન તો અહીં રહે, ન તો ત્યાં રહે;
માણસ તો એવો કે, સમાજની ભીંતોની દરમ્યાન રહે.

માણસ તો એવો કે, ચમડી છોડે પણ દમડી ન છોડે;
માણસ તો એવો કે,  સદા ય ચાહે, એ ધનવાન રહે.

માણસ તો એવો કે, દોડતો રહે એ સમયને પકડવા;
માણસ તો એવો કે, એ ઇચ્છે, હંમેશ એ જવાન રહે.

માણસ તો એવો કે, નટવર શું કહેવું એના વિશે હવે?
માણસ તો એવો કે,જાણીતો માણસ પણ અનજાન રહે.

[રહેમાન= ઈશ્વર; ખુદા; પરમ કૃપાળુ પરમેશ્વર (સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)]


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું