રવિવાર, 3 જુલાઈ, 2016

વરસાદમાં...

આવતા આવતા કેવો વળાંક આવી ગયો મારી પ્રેમકહાણીમાં?
જોતો રહ્યો હું એને ભીંજાતા વરસાદમાં, લાગી આગ પાણીમાં.

સાવ કોરો કોરો હું ઊભો હતો હું તો છત્રી નીચે ભર વરસાદમાં;
હાથ પકડી ખેંચ્યો એણે, સામેલ કર્યો મને ઇશ્કની ઉજાણીમાં.

મેઘો પણ થઈ ગયો ઘેલો એમની સાથ સાથ તરબોળ થઈને !
માદક ખુશબૂ એના તનબદનની ભળી ગઈ વર્ષાની સરવાણીમાં.

ઈર્ષા થઈ હશે વાદળોને અમારી, થઈ અદેખાઈ તુફાની હવાને;
ને ભારે ગાજવીજ થતા પકડ્યો એણે કર મારો એમનાં પાણિમાં.

સુંવાળા સંબંધ નાજુક હોય છે સનમ, સાવ મુલાયમ રેશમ જેવા; 
જોર ન કરશો,ન કરવા દેશો, નહીંતર એ તૂટી જશે ખેંચાતાણીમાં.

ક્યારેક થશે કજિયો, તો કદી થઈ જશે આપણી વચ્ચે બોલાચાલી;
સાચવી લેજો સનમ મને, આવે જો કડવાશ મારી અવળવાણીમાં.

જો ભેગા ન થઈએ તોય આપણે જુદા ન થશું એ નક્કી માનજો;
પ્યાર આપણો જરૂર થશે મજબૂત પિસાઈને તન્હાઈની ઘાણીમાં.

સખીઓ માંગશે, માંગવા દો, દોસ્તો કરશે ફરમાઇશ તો કરવા દો;
વહેંચીશું એમને આપણે તો આપણા સુહાના સપનાંઓ લહાણીમાં.

નથી કદી કંઈ તેં માંગ્યું આ મુફલિસ નટવર પાસે સ્નેહ સિવાય;
મારા પર ઘણું કરજ છે તારું,લાવ્યો છું આજે કવિતા ઉઘરાણીમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું