મંગળવાર, 17 મે, 2016

તું તો નથીને?

ઘનઘોર વાદળ સાથે જે કરે મસ્તી એ માહતાબ તું તો નથીને?
જાગતી રાતોમાં સદા ય આવે એ હસીન ખ્વાબ તું તો નથીને?

નથી એમ તો આદત પીવાની, ન તો આદત મને લથડવાની;
તો ય વગર પીધે મને ચઢાવે ખુમાર એ શરાબ તું તો નથીને?

પૂછતા રહે દોસ્તો મને જે સનમ વિશે વારંવાર ફેરવી ફેરવીને;
એમના એ બહુ અઘરા લાગતા સવાલનો જવાબ તું તો નથીને?

જેના પાને પાને આંસુથી લખી રાખ્યું હતું મારી હમદમનું નામ;
મારાથી ક્યાંક મુકાય ગયેલ એ કિંમતી કિતાબ તું તો નથીને?

કહેવું ઘણું છે એમ તો તને સનમ મારે જ્યારે જ્યારે મળે છે મને;
જેને કારણે સિવાય જાય છે મારા હોઠ એ રુઆબ તું તો નથીને?

છે એમ તો સાવ નજર સામે પણ કદી ય નજર ના આવે મને;
મારા સમણા પર છવાયેલ એ મખમલી હિઝાબ તું તો નથીને?

બહુ સાચવ્યું નટવરે તો ય તણાય ગયો એમાં તણખલાની જેમ;
બન્ને કાંઠે સદા ખળખળ વહેતો સ્નેહનો એ સૈલાબ તું તો નથીને?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું