મંગળવાર, 17 મે, 2016

...તું છે

ઊતરી આકાશમાંથી પાલવ હેઠળ સંતાયેલ આફતાબ તું છે;
આ અવનિ પર અવતરેલ સૌ સૌંદર્યમાં સૌથી નાયાબ તું છે.

તારી સાથે વિતાવેલ એક એક મુલાયમ પળ યાદ છે મને;
કહેતી તું નથી તો ય હું જાણું ફરી મને મળવા બેતાબ તું છે.

એકનો એક હતો હું ને એકનું એક દિલ હતું મારું ઓ સનમ;
બહુ સાચવ સાચવ કર્યું તો ય ચોરી જવામાં કામિયાબ તું છે.

સાવ કોરું ધાકોર આકાશ રહેતું હતું મારા મનનું રાત દિવસ;
મારા મનોકાશમાં આવી ક્યાંક દૂર ઊડી જતું સુરખાબ તું છે.

હર કોઈ ચાહે તો ય કોઈને એ મળતો નથી આસાનીથી કદી;
હર કોઈની આંખ જોતા ન ધરાય એ ખૂબસૂરત શબાબ તું છે.

બહુ જતનથી સાચવી રાખ્યો છે, ન કદી ખોઈ ન શકું હું એને;
કોઈને ન મળે જીવનભર એવો મારો કિંમતી અસબાબ તું છે.

બહાર આવે ને જાય, ઋતુ બદલાય તો ભલે બદલાય,મારે શું?
મારા ગુલશનનું ન કદી મુરઝાઈ એ સદાબહાર ગુલાબ તું છે.

કહેવા જેવું બધું કહ્યું મેં તારા વિશે સનમ મારી કવિતાઓમાં;
સો વાતની બસ એક વાત કહેવી છે સનમ, લાજવાબ તું છે.

હર ગમ, હર દુઃખ, હર નિરાશા બાદ કરી નાંખી હવે નટવરે;
મારી હર ખુશી, મારા સુરમ્ય સુખો, હર હાસ્યનો હિસાબ તું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું