મંગળવાર, 17 મે, 2016

તરી ગયો છું...

જ્યારથી હું એમનાં સપનામાં સરી ગયો છું;
હું ખુદ કોણ છું?એ હું સાવ વીસરી ગયો છું.

લગાવી છે બિંદી મારા નામની એમના ભાલે;
લાખો વિટંબણા વચ્ચે ય હું નીખરી ગયો છું.

મુસાફર છું, મુસાફર જ રહી ગયો આજીવન;
 ઘણી વાર મંજિલે પહોંચી પાછો ફરી ગયો છું.

સાકીએ જ્યારથી પયમાનાઓ ભરવા માંડ્યા;
ચૂપચાપ એ મયખાનેથી હું નીસરી ગયો છું.

ભલેને એમણે મને દૂર કરી દીધો એમનાથી;
આહ બની એમનાં નિશ્વાસમાં પ્રસરી ગયો છું.

આ મારગ પ્રેમનો યાર, છે જ ભારે લપસણો;
સંભાળી લેજે યાર મને તું, હું લસરી ગયો છું.

ચાદર તન્હાઈની ઓઢીને સૂતો છું હું નિરાંતે;
બેસમજ આ લોકો સમજ્યા, હું મરી ગયો છું.

સાવ કિનારે આવીને ડૂબી ગયો છે આ નટવર;
બાકી દરિયો ઇશ્કની આગનો હું તરી ગયો છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું