શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

રાખું છું...

મયખાને  બેસી સામે ખાલી જામ રાખું છું;
સાકી એક દિ તો ભરશે, હૈયે હામ રાખું છું.

ક્યારેક તો રંગ લાવશે ઇશ્ક અમારો પણ;
સોંપી છે સનમને રાધા, હું શ્યામ રાખું છું.

ન જાઉં હું મક્કા મદીના, ન કાશી મથુરા;
ચરણરજ સનમની,ત્યાં ચારધામ રાખું છું.

બહુ મશહૂર થયો છું હુંય દોસ્ત, દુનિયામાં;
કેમકે સાથે દોસ્ત બેચાર બદનામ રાખું છું.

આજે કોણ સાંભળે છે વાત દિલની યારા?
ધડકનો મારા દિલની હું સુનસામ રાખું છું.

અહીં હોય છે ઘણાને આદત ચંચુપાતની;
ને હું છું જ એવો, કામ સાથે કામ રાખું છું.

ન જાણે કઈ ઘડી દિલ થઈ જાય ઘાયલ?
માનો ન માનો,ઉપાય એનાં તમામ રાખું છું.

રહી પરદેશમાં સાવ દેશી રહી ગયો નટવર;
ઘરમાં વતનની ધૂળ, હૈયામાં ગામ રાખું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું