શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

રાહ-એ-જિંદગી...

રાહ-એ-જિંદગીમાં આવતા રહે છે ઊતાર-ચઢાવ;
સફર-એ-જિંદગી પૂરી થાય, નથી આવતો પડાવ.

રમત એવી જિંદગીની રમવી પડે સદા સજીધજી;
ક્યારેક હોય સુખનો તો ક્યારેક દુઃખનો હોય દાવ.

કદી ડુબાવી દે માલમ જિંદગીને ભર દરિયામાં;
તો રેતીમાં ય હંકારવી પડે આ જિંદગીની નાવ.

આપણે ક્યાં આપણી રીતે જીવતા હોઈએ છીએ?
આપણા પર સદા હોય છે કોઈને કોઈનો પ્રભાવ.

માણસ માણસને કદી નડતો નથી, ન નડી શકે!
 માણસ તો ભાઈ માણસ છે,  નડે એને સ્વભાવ.

લાગણીની વાત પણ નિરાળી ને છે એ નખરાળી;
વધુ ને વધુ ઊછળે,જો હોય વધુ એના પર દબાવ.

કેટલાં ય કમસીન જખમ હોય છે એવા યાર મારા;
સાજા તો થઈ જાય છે,તો ય આવતો નથી રુઝાવ.

જિંદગી એવી જ જીવવાની આવે છે મજા નટવર;
જેમાં હોય સદા ય ક્યારેક કંઈકને કંઈનો અભાવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું