શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

ઉન્માદ કર્યો...

છેક એવુંય નથી કે એમણે મને બરબાદ કર્યો;
બસ, એમનાં ખાસ ખાસમાંથી મને બાદ કર્યો.

જાલિમે કરી સજા ઉમ્રકૈદની દિલમાં પૂરી મને;
ને ઝુલ્ફની મજબૂત જંજીરમાંથી આઝાદ કર્યો.

હશે એમની ય કોઈ મજબૂરી,જે હશે બહુ બૂરી;
અલગ થતાં, ન તો એમણે કોઈ વિવાદ કર્યો.

કેટલી ય વાર ઝબકીને જાગી જાઉં છું હું રાતે;
ભાસ થયા રાખે છે મને,એમણે મને સાદ કર્યો.

લાખ લાખ ગમો વચ્ચેય ક્યારેક હસી લઉં છું;
અચાનક આવતી એમની યાદે અહલાદ કર્યો.

આંખ મારી વારે વારે ફરકી જાય છે અમસ્તી;
સાત સમંદર પાર જરૂર એમણે મને યાદ કર્યો.

વગર વાદળે કેટલી ય વાર તરબતર થયો છું;
વિરહમાં મારા એમણે આંસુંઓનો વરસાદ કર્યો.

ઇશ્કની અસર છે કે મારા આંસુ વધુ ખારા છે;
એમની યાદમાં આવતાં આંસુંનો મેં સ્વાદ કર્યો.

મને યાદ કરતા કરતા સાવ વીસરી ગયા મને;
દોષ મારો કે, મેં સાવ ખોટો અવસાદ કર્યો.

લખતાં લખતાં એમ નથી લખી શકાતું નટવર;
લખાય ત્યારે જ જ્યારે લાગણીએ ઉન્માદ કર્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું