શનિવાર, 14 નવેમ્બર, 2015

ચીજ નથી...

તમે વધુ કંઈ ન આપ્યું એની મને કોઈ ખીજ નથી;
તમારી યાદથી જહાંમાં વધુ કિંમતી કોઈ ચીજ નથી.

દરદ-એ-ઇશ્ક હવે સાવ કોઠે પડી ગયું છે મને પણ;
સાવ સહેલાઈથી ધબી જાઉં એવો ય હું મરીજ નથી.

વગર કારણે આંખો વારંવાર વરસાવી છે મેં સનમ;
આંખો છે તો વરસે એ ય,ભલે કોઈ ગાજવીજ નથી.

એક એક આંસુ કિંમતી હોય છે એ જાણે એ જ જાણે;
બાકી એમાં થોડા નમક સિવાય દુર્લભ ખનિજ નથી.

વગર ગુનાએ સજા કરી તમે દિલમાંથી તડીપારની;
તોય તમારા દિલમાં ધબકતો રહીશ,હું ખારિજ નથી.

એમ તો મારું જ છે તોય કહ્યું મારું ન માને એ કદી;
માન યા ન માનો,  દિલ જેવું કોઈ બદતમીજ નથી.

પ્રેમમાં પાગલ થઈ દિવાનો થઈ ગયો એમ કહે સૌ;
કહેનારા ભલે કહેતા રહે સનમ,હું કંઈ નાચીજ નથી.

યાર, દોસ્ત,  દુશ્મનોની વાત શું કરવી હવે આપને?
તન્હાઈના દોરમાં મારો પડછાયો મારો અઝીઝ નથી.

આ ય કિસ્મતની કેવી કરામત છે નટવર કોણ જાણે?
મારી મારી સમજતો રહ્યો, એ વ્યક્તિ મારી જ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું