શનિવાર, 14 નવેમ્બર, 2015

ઉદાસી છે...

હવે સિલકમાં બસ ઉદાસી છે;
કરે છે સેવા,એ મારી દાસી છે.

એવા આ વૈભવનું શું કરવું?
જ્યાં ખોટ કોઈની  ખાસી છે.

જ્યાં કદી મળતા આપણે બે;
બહુ ગમગીન એ અગાશી છે.

આયનો ય હવે તો કંટાળ્યો;
એ કહે ચહેરો તારો વાસી છે.

સફર જનમથી મોત સુધીની;
હર કોઈ અહીં તો પ્રવાસી છે.

હું કદી ય મને મળતો નથી;
જાતને મેં મારી તપાસી છે.

જ્યાં એ લઈ જાય ત્યાં જાઉં;
સમય મારો ખરો ખલાસી છે.

જિંદગી હવે એવી થઈ ગઈ છે;
જાણે પાણીમાં મીન પ્યાસી છે.

કેમ એવું થયા રાખે નટવર?
પ્યારી વ્યક્તિ જ દૂર નાસી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું