શનિવાર, 14 નવેમ્બર, 2015

થઈ જાય છે...

વગર વાદળે આજકાલ તો હેલી થઈ જાય છે.
આંખ ભીની ધાર્યા કરતા વહેલી થઈ જાય છે.

ઘણી વિંટબણાઓ વચ્ચે વીંટાયેલ રહું છું હુંય;
તું સૂચવે ઊકેલ એ સાવ સહેલી થઈ જાય છે.

સરક્યો પવનમાં પાલવ કોઈના બદનપરથી;
નજર આખા ગામની ઘેલી ઘેલી થઈ જાય છે.

દૂર ત્યાં મહેદી લગાવી હશે તેં કોમળ કરોમાં;
અહીં મારી મારી રંગીન હથેલી થઈ જાય છે. 

જ્યારથી શરૂ કર્યું છે તેં વેણી નાંખવાનું સનમ;
ત્યારથી વધુ મઘમઘતી ચમેલી થઈ જાય છે.

હવે તું નથી મારી સાથ સનમ તો શું થઈ ગયું?
તેં આપેલ તન્હાઈ જ મારી સહેલી થઈ જાય છે.

આપણી જાતને બહુ સાચવીને રાખવી પડે છે;
સહેજ સરક્યો પગ તો જાત મેલી થઈ જાય છે.

આવતા જતા શ્વાસનું છે એક ઉખાણું આ જિંદગી;
ધીમે ધીમે જિંદગીય અઘરી પહેલી થઈ જાય છે.

ન કરશો તમે હવેથી ફિકર મારી પ્યારાં દોસ્તો;
કપરાં સમયે જ અલ્લા મારો બેલી થઈ જાય છે.

કદી થઈ જાય વાહવાહ નટવરની મહેફિલમાં;
છે એવા ઘણાં અહીં જેને મુશ્કેલી થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું