રવિવાર, 5 એપ્રિલ, 2015

પરવારવું છે...

હવે સહુ વિંટબણાઓથી પરવારવું છે;
ખુદા ન મળે તો ખુદ તરફ હંકારવું છે.

એક દિ એમાં થોડી ખારાશ ઓછી હશે;
કોઈને યાદ કરી એક આંસુ સારવું છે.

હું એમને યાદ કરતા કરી જીવી રહ્યો;
એમને વીસરી ગયો એમનું ધારવું છે.

એઓ જો એમ જ રાજી થતા હોય તો;
હુકમનું પાનું હોય તો ય હવે હારવું છે.

સાથ સૌ છૂટશે, છેવટે એ સાથે આવશે;
ભલે હોય સફેદ, કફનને શણગારવું છે.

આયનો હવે બહુ ઠગારો થઈ ગયો છે;
મહોરું એના ચહેરેથી આજે ઉતારવું છે.

શાયદ એઓ પ્રસન્ન થઈ જાય એમ તો;
નિશ દિન નામ એમનું જ ઉચ્ચારવું છે.

બહુ જતનથી સાચવી રાખ્યું છે નટવરે;
એ ઘાયલ દિલ કોઈના નામે ઉધારવું છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું