રવિવાર, 5 એપ્રિલ, 2015

મળતો નથી...

મળ્યા પછી એમને હું ખુદ મને મળતો નથી;
સળગુ છું અંદર અંદર, તોય હું બળતો નથી.

એકલતાએ બહુ સતાવ્યો,બહુ તાવ્યો છે મને;
શાયદ એટલે જ હવે હું ટોળામાં ભળતો નથી.

મને બરાબર ખબર છે હું કેવો દેખાઉ છું હવે;
એથી આયનો ચાહીને પણ મને છળતો નથી.

તરસને ગટગટાવી છે યુગોથી તરસ્યા રહીને;
તરસ્યો તો છું બહુ, પણ હવે ટળવળતો નથી.

જામ જિંદગીનો પહેલેથી જ થોડો અધૂરો છે;
કાલે એ ગળે ય ખરો,આજે એ ગળતો નથી.

આપી ખભો મારા દોસ્તોએ બહુ ઠગ્યો છે મને;
આપે હવે જો કોઈ સહારો,ત્યાં હું ઢળતો નથી. 

પાછાં ફરીને જોવાથી શું થવાનું છે નટવર?
તને છોડી ગયો એ વખત પાછો વળતો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું