રવિવાર, 5 એપ્રિલ, 2015

હોઠે આવતી નથી...

એક ખાસ વાત હૈયે છે,  હોઠે આવતી નથી.
આવે સપનામાં,ત્યાંય ખુદને લાવતી નથી.

દિલ મારું મેં એને સુપરત તો કરી દીધું છે;
બસ,મારી પાસે એની કોઈ જ પાવતી નથી.

ના ના કરતાં આંખોમાં તો વસાવ્યો છે મને;
બાહોમાં એની એ મને કદી સમાવતી નથી.

એવા એક શખ્સનું નામ આપ દોસ્ત મને;
ઇશ્કમાં તન્હાઈ જેને કદી સતાવતી નથી!

યાદ તો મારી એને પણ સતાવતી જ હશે;
સખીઓ સામે એ કદી ય જતાવતી નથી.

સાકી પણ ખરી છે, ભરે નજરથી પયમાના;
એમાં ય કરે કસર,કદી ય છલકાવતી નથી.

મારી નજરે એની નજરને કંઈક કહ્યું હશે;
એ શું સમજી છે, મને કદી બતાવતી નથી.

જે ખુદ સાથે જ નાહક રિસાય જાય નટવર;
જાલિમ દુનિયા એને  કદી મનાવતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું