રવિવાર, 19 એપ્રિલ, 2015

શું કરું?

મારા ખુદાનો જ બદલાય ગયો ઈમાન, શું કરું?
બદલાય ગયો,'દોસ્ત' હતો જ બેઈમાન, શું કરું?

આરતી નથી ગમતી એને, ન તો પસંદ છે પૂજા;
અજાણી લાગે છે હવે એને મારી અજાન,શું કરું?

ચઢાવ્યા છપ્પન ભોગ અને છત્રીસ ગજની ધજા;
છતાં ય મંદિરમાંથી ભાગી ગયો ભગવાન,શું કરું?

કર્યા શ્રાવણમાં રોજ નકરોડા  એને રીઝવવા મેં;
ન રીઝ્યો, કર્યા મેં રોજા આખો રમજાન, શું કરું?

એક વાર એમની બે આંખોમાં મને ભાળ્યા પછી;
હર આયનામાં મને જ લાગ્યો હું અંજાન,શું કરું?

કબજો લીધો મારા દિલનો મને પૂછ્યા વિના જ;
મારા ઘરમાં રહેવા માંગે છે એ બહુ માન,શું કરું?

જીવી રહ્યો છું કે સાવ મરી ગયો હું મરતા મરતા;
સજા કરી જીવવાની લઈ ગયા મારો જાન,શું કરું?

સાકી, કદી ન કરતી મના મને તું મય આપવાની;
નવટાંક પીધા પછી જ આવે છે મને ભાન,શું કરું?

સહુને સમજાવી છે એણે સાવ અઘરી અઘરી વાતો;
ખુદને ન સમજાવી શક્યો નટવર નાદાન, શું કરું?

(નવટાંક= શેરના આઠમાં ભાગનું; સંદર્ભ ગુજરાતી લૅક્સિકોન)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું