રવિવાર, 5 એપ્રિલ, 2015

અવગણું છું...

એકલતાને એ રીતે અવગણું છું;
મૌન ખામોશીથી હું ગણગણું છું!

જેને શિખવ્યા હતા પાઠ પ્રેમનાં;
એની પાસે જ આજે હુંય ભણું છું.

ગાંઠ ઘણી પડી સંબંધની ચાદરે;
લાગણીના તાણાવાણાથી વણું છું.

તાળો તો કેવી રીતે મળશે એનો?
દાખલો ખોટી રકમનો હું ગણું છું.

સનમ છે મારા એક પરમાણુ જેવા;
એમનાં અંગ અંગનું એક અણુ છું.

એઓ છે સાવ દુર્ગમ ડુંગર જેવા;
એના હેઠળ છુપાયેલ હું તરણું છું.

ઉજાગરા રાતભર વાવી,  ઊછેરી;
સપનાંઓ  સવારે સવારે લણું છું.

કવિતા એમ લખાતી નથી નટવર;
એના શબ્દે શબ્દે ખુદને હું ચણું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું