રવિવાર, 19 એપ્રિલ, 2015

હજુ પણ છે...

હતો પહેલા જેવો એવો જ પ્યાર હજુ પણ છે;
બાવરી બે આંખોને તારો ઇંતેઝાર હજુ પણ છે.

આવતા આવતા અટકી જાય છે એ વારંવાર;
પાંપણે એ અધૂરાં સપનાનો ભાર હજુ પણ છે.

દીવો તારી યાદનો દિલમાં તો સતત બળે છે;
એ દીવા તળે ટળવળતો અંધકાર હજુ પણ છે.

પડઘાય છે ખામોશી  મારા સૂના સૂના ઘરમાં;
કર્ણપટલે તારા પાયલનો રણકાર હજુ પણ છે.

એક વાર છાતીએ કાન દઈને સાંભળી તો જો;
તારા જ નામનો દિલમાં ધબકાર હજુ પણ છે.

કાફલો છોડીને મને ક્યાંક દૂર નીકળી જ ગયો;
સમક્ષ મારી પગલાંઓની વણજાર હજુ પણ છે.

મહેફિલમાં વાહ વાહ થાય છે નટવર એમ તો;
તારા વિના એ મહેફિલમાં સૂનકાર હજુ પણ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું