રવિવાર, 19 એપ્રિલ, 2015

અજ્ઞાની છે...

અરે! આ પણ સાલી કેવી જિંદગાની છે?
કોઈના વિના જીવવું જાણે માનહાનિ છે.

રહેવા દો મારા જખમોની દવા કરવાનું;
ઇશ્કમાં મળેલ એ મહામૂલ્ય નિશાની છે.

હું ભૂલતો નથી, એ યાદ નથી રાખતા;
બસ આ જ નાનકડી મારી પરેશાની છે.

હું ય જાણું કે મારી જવાની જવાની છે;
જ્યારે જાય,એમના તરફ જ જવાની છે.

આંખોમાં એમની ઊછળે સ્નેહનો સમંદર;
પાણીદાર આંખો એમની આસમાની છે.

વખત જતા બધું જ વીસરાય જવાય છે;
વખતની આ જ એક મોટી મહેરબાની છે.

ઇશ્ક વિશે શું સમજાવે નટવર તને યાર?
એ પણ એ બાબતે હજુ સાવ અજ્ઞાની છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું