શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

રહું છું...

દિલમાં રહું છું, હું ક્યાં ઘરમાં રહું છું?
પતો નથી મારો,સદા સફરમાં રહું છું.

સિવાય ઇશ્ક, કોઈ ગુનો મેં કર્યો નથી;
શાયદ એથી જ સૌની નજરમાં રહું છું.

આંખોથી પીધું છે ગટગટ સૌંદર્ય મેં;
સાચવો મને, એની અસરમાં રહું છું.

લખ્યો હતો કદી કોરો ખત તમે મને;
એ પ્રેમપત્રના હરેક અક્ષરમાં રહું છું.

ન શોધો સનમ તમે મને આસપાસ;
તમારા શ્વાસોશ્વાસની લહરમાં રહું છું.

નવા જુના અખબાર વાંચતા રહેશો;
ક્યારેક ક્યારેક હું ય ખબરમાં રહું છું.

કાફિયા, છંદની વાત જવા દો યારો;
હું છું જ એવો,સદા ય બહરમાં રહું છું.

સાવ રંક નથી, હું ય રાજાધિરાજ છું;
અનોખાં એવા સ્વપ્નનગરમાં રહું છું.

ખુદાને શોધતો રહ્યો નટવર દરબદર;
કહ્યું ખુદાએ મને, તારી અંદર રહું છું.

[(બહર=તારુણ્ય; યુવાની (સંદર્ભઃગુજરાતી લૅક્સિકોન)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું