શનિવાર, 13 ડિસેમ્બર, 2014

રાખી છે...

ટેરવે ટેરવે અમે તો યાર  કુમાશ રાખી છે;
અને એમને ફરી સ્પર્શવાની આશ રાખી છે.

લાખ લાખ લોકને સદા મળતા રહ્યા અમે;
પણ એમાં એક વ્યક્તિ બહુ ખાસ રાખી છે.

ઇશ્કની બાબતે અમે તો રહ્યા સદા ઉતાવળા;
અને ત્યાં જ એમણે ખાસી ઢીલાશ રાખી છે.

ગુન ગુન કરતો ભમરો જ એ જાણે છે યારા;
સુમનોએ ક્યાં ક્યાં સંતાડીને સુવાસ રાખી છે.

પ્યાર ભલે પ્યાર છે તોય એની એક સીમા છે;
ઘરમાં કદી કોઈએ પ્રિયજનની લાશ રાખી છે?

અમારા હાસ્ય પર ફિદા થનાર એ શું જાણે?
અમેય આંખોમાં છુપાવીને ભીનાશ રાખી છે.

એ શખસનો ભરોસો કરતા વિચાર કરજે યાર;
જેણે જીભની ટોચે બેહદ વધુ મીઠાશ રાખી છે.

વસી જાઓ તમે સનમ હવે નટવરના હૈયામાં;
છે એ મુઠ્ઠી જેવડું,  એમાં ય મોકળાશ રાખી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું