શનિવાર, 13 ડિસેમ્બર, 2014

એ પળ...

કેવી હશે યારો અદ્ભુત એ પળ !
જ્યારે ફોડી પથ્થર નીકળે કૂંપળ.

પરિસીમા  પ્યાસની ઓળંગીને;
પીધાં છે મેં તો ઝાંઝવાંના જળ.

એ આંખોમાં  ડૂબતા કેમ બચ્યે?
છે કથ્થઈ આંખોમાં ઊંડા વમળ.

આ પણ અસર ઇશ્કની કેવી છે?
સાચા લાગે છે ઇશ્કમાં હરેક છળ.

મરીઝ-એ-ઇશ્ક છે જ એવો યારા;
કદી નથી વળતી કોઈને એમાં કળ.

બે હોઠો હસી પડે કદી ખડખડાટ;
બે આંખો ન વહે કદી ય ખળખળ.

ન પૂછો કેવી વીતે છે મારી રાતો;
ગણી જુઓ પથારી પરની સળ.

આ માણસ તો ભાઈ માણસ જ છે;
પડે ખોટી એના વિશે હર અટકળ.

થઈ જશે તને પણ તારી ઓળખ;
ખુદમાંથી નટવર તું બહાર નીકળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું