શનિવાર, 6 ડિસેમ્બર, 2014

થઈ જાય..

વેદનાઓ  સૌ એવી રીતે સાકાર થઈ જાય;
મારા ઘાયલ દિલનો એ ધબકાર થઈ જાય.

એ જ વ્યક્તિ પૂજાય છે એક દિ દુનિયામાં;
જે છે આંખો સામે અને નિરાકાર થઈ જાય.

મારી તન્હાઈનો આલમ પણ કેવો દોસ્ત?
અમે આહ ભરીએ એ સમાચાર થઈ જાય.

ભીતોની દુનિયામાં  દિલ મળે કેવી રીતે?
કાશ દીવાલોમાં ક્યાંક એક દ્વાર થઈ જાય.

એ જ નજર તો દિલને ઘાયલ કરી જાય ;
જે ઝૂકે તોય જિગરની આરપાર થઈ જાય.

તાણાવાણાઓ લાગણીનાં છે બહુ મજબૂત;
ક્યારેક અમસ્તાં એ ય તાર તાર થઈ જાય.

ઇશ્કની એવી કેવી આ અસર છે મારા પર?
જે વીસરવાનું છે એના જ વિચાર થઈ જાય.

મારા દિલમાં તો એ સદા ય રહેતા આવ્યા;
એનાં દિલમાં હું વસુ તો ચમત્કાર થઈ જાય.

કોણ જાણે કયા રૂપમાં ખુદા ફરે છે અહિંયાં?
એટલે સહુને નટવરથી નમસ્કાર થઈ જાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું