શનિવાર, 6 ડિસેમ્બર, 2014

અણનમ છું...

માનો યા ન માનો, માણસ હું ધરખમ છું;
દિલ હારી ગયો પણ હજુ  હું અણનમ છું.

દિલમાં વસાવી જોઈ લો એક વાર મને;
ભલે લાગુ પરાયો પણ તમારો સનમ છું.

આ દુનિયા એક દિ વીસરી જશે મને પણ;
જેવો છું એવો આજે તો હું એક આલમ છું.

ઘા તમારા થોડા ખુલ્લા કરો મારી સમક્ષ;
સમજાય જશે, હું એક અકસીર મરહમ છું.

મધદરિયે તોફાનમાં તરતી રાખી મેં નૌકા;
ને કિનારે ડુબાડી દીધી,હું એવો માલમ છું.

આયનામાં વારંવાર જોયું તોય ન સમજ્યો;
હું છું કે નહીં? હકીકત છું કે એક ભરમ છું?

શાયદ એટલે જ લોકોને વધુ હું પસંદ આવું;
કે ન આવું,  હું અલગ છું, થોડો અનુપમ છું.

રાહગીર તો ઘણા મળ્યા નટવર જિંદગીમાં;
બન્યા જે હમદર્દ મારા,  એમનો હમદમ છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું