શનિવાર, 6 ડિસેમ્બર, 2014

તમારા ગયા પછી...

ભર્યું ભાદર્યું ઘર મારું થઈ ગયું છે મકાન તમારા ગયા પછી;
મારા વિના ન ચાલશે,ઊતર્યું મારું ગુમાન તમારા ગયા પછી.

આવ્યા માંડ માંડ તમે ને ગયા તો કેવા ગયા જિંદગીમાંથી?
મારા ઘરમાં જ હું તો થઈ ગયો મહેમાન તમારા ગયા પછી.

વાતો હવે કરું હું કોની સાથે? કોને કહું હું હવે વાત દિલની?
ભીંત સાથે વાતો કરતા લડખડાય જુબાન તમારા ગયા પછી.

હતો મહારથી તોય બનાવ્યા તમને સારથિ મારા મનોરથનાં;
હવે મારા એ રથનું કોને હું સોપું સુકાન તમારા ગયા પછી?

એ જ શેરી છે, એ જ શહેર છે, એ જ લોકો છે, બધું એ જ છે;
હવે એ સઘળા મને લાગે સાવ અન્જાન તમારા ગયા પછી.

સપનાઓના બદલામાં સપનાઓ વેચતો હતો હર કોઈને હું;
ખાલી થઈ મારા સુહાના સપનાની દુકાન તમારા ગયા પછી.

સફર જિંદગીની છે તો ફક્ત જનમથી મોત સુધીની સનમ;
જિંદગીની અધસફરમાં ફૂંકાય રહ્યું તોફાન તમારા ગયા પછી.

લોક લાજે,તમારી યાદમાં, કદી કદી હસ્યો છું હું મહેફિલમાં;
શું કહું સનમ તમને? ફીકી થઈ મુસકાન તમારા ગયા પછી.

હું કોણ છું? કેમ છું? કેવો છું? ક્યાં છું? હું ક્યાં જઈ રહ્યો છું?
ગુમાવી દીધું છે નટવરે આન માન ભાન તમારા ગયા પછી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું